Hard Rain, Mumbai

કાલે રાત્રે લગભગ ૧૧ વાગ્યા ની આજુબાજુ ધૂમધડાકા સાથે મેઘરાજા ની સવારી મુંબઈ આવી પહોચી. આટલી બધી ગરમી પછી કઈંક હાશકારો (ક્ષણભર માટે જ)  મળ્યો. મને ઘણો આનંદ થયો. વીજળીઓ જોરજોરથી ગર્જવા લગી. આપણે નાના હતા ત્યારે કે’તા ને કે “ડોશી ગબડી…” એવું વતાવરણ રચાઈ ગયું. બહાર ધોધમાર વરસાદ પડતો જોઈને હું તો બારી પાસે જ બેસી ગયો. થોડા વખત માટે. એટલો સરસ મખમલ જેવો પવન બારી ના સળિયાઓ વચ્ચે થી આવી રહ્યો હતો.

થોડી જ વારમા બાળકોનો અવાજ આવવા માંડ્યો. નોર્મલી રાત ના આટલા વાગ્યે બાળકો નીચે રમવા નથી આવતા. આ સાંભળીને મેં બારણું ઊઘાડી ને જોયું તો નાના નાના ટાબરિયાઓ પાણીમાં ભીંજાઈ ને પ્રથમ વરસાદની મઝા માણી રહ્યા હતા. મારી પણ ઈચ્છા થઈ ગઈ, પરંતુ હું જસ્ટ ઓફિસે થી ઘરે આવ્યો હતો એટલે મેં વરસાદમાં શરીર ભીંજવવાનુ માંડી વાળ્યુ. આ દ્રશ્ય જોઈ ને મારા મગજ મા ફોટો ખેંચવા નો વિચાર આવ્યો. એટલે હું મારો HP PhotoSmart R707 બહાર લઈ આવ્યો ને થોડા સરસ ફોટાઓ પાડ્યા.

મેઘરાજા લગભગ ૧ કલાક થી વધુ વરસ્યા. મઝા પડી ગઈ. એ વતાવરણ જોઈને મને તો ગરમ ગરમ વાનગીઓ ખાવાની ઈચ્છા થઈ હતી. ગરમ ગરમ સબજેલ ના ભજીયા, સુરતી નો લોચો, ‘ઠાકુરજી'(અમારો કેવાતો અડ્ડો) ની ચા…વાહ મઝા આવી જાય, પણ અફસોસ હું અત્યારે મુંબઈમાં છું, અને મારા સુરત ને ખુબ જ યાદ કરું છુ. ત્યારે જ મને નાનપણ ની એક સરસ કવિતા યાદ આવી ગઈ,

આવ રે વરસાદ,
ઘેબરીયો પરસાદ,
ઉની ઉની રોટલી ને
કારેલાં નું શાક!

કાલ ની રાત ને યાદ કરી ને થોડી કૃતિઓ મુકી રહ્યો છું.

ચેતન ફ્રેમવાલા દ્વારા રચિત “વરસાદ બોલાવે”

વરસાદ બોલાવે તને, તું આવશે?
મુજ હાથને શું, હાથ તારો ઝાલશે?

રેઇનકોટી જિંદગી તું જીવતો,
બે ઘડી હું ભીંજવું તો ચાલશે?

તું આમ તો આવે નહીં મારા કને!
લે પ્રેમ નું ઈજન, હવેતો ફાવશે?

કેટલા ચોમાસા કોરા કટ ગયા!
આ સાલ તો એ લાજ તારી રાખશે ?

શાને દુકાળો આવતાં, એ સોચ તું!
સીમેન્ટી ફાગો, જો અહીયાં ફાલશે!

સીમેન્ટના જંગલ મહીં અટવાઉં છું,
ચેતન! હવે તો રાહ કોઈ કાઢજે…

એક કવિતા ભાઈ શ્રી બંકિમ ની પણ…

વરસાદ
ઝરમર – ઝરમર તારી ઇચ્છા જેવો
વરસ્યા કરે છે
મારા પારદર્શક મન પર
શબ્દો
ઉદાસ ઉદાસ મહોર્યાં કરે છે
તારી ગોદમાં
માથું ઢાળી હું પડ્યો રહું
આપણી રગે – રગમાં
પ્રસરતું રહે માટીનું અત્તર
બસ એટલી જ મારી ઇચ્છા
એ પર વરસાદ ઝરમર – ઝરમર ……………

નેહા ત્રિપાઠી ની ખુબ જ સરસ કવિતા “માટીની સુગંધ”…

દૂર ક્યાંક થી ફરી પાછી માટીની ભીની સુગંધ આવી ગઇ
મનમાં રહેલી એની એ  સ્મૃતિઓ  ને તાજી કરાવી ગઇ

સુસવાટા સાથે આવતો એ ભીનોપવન અડકી ગયો
જાણે એ આવી મારી પાસે મને સ્પશીઁ  ગયો

કેટલાય દિવસથી તેની રાહમાં ધરતી તરસી હતી
વરસાદ ની એ એક બુંદ તેની પ્યાસ બુઝાવી ગઇ.

અને છેલ્લે મને જે સૌથી વધારે One Liner ગમે છે જે Charlie Chaplin દ્વારા બોલવા મા આવ્યું હતુ તે…

I Love ♥ walking in the rain because NO one knows I’M Crying !!!

Note: Original photograph taken by Shabbir “Leo” Ali on 31/05/2007, place Mumbai, India
Advertisements